શનિવાર, 14 એપ્રિલ, 2018

વિદ્વાન અર્થશાસ્ત્રી : ડો.બાબાસાહેબ આંબેડકર


ડો.બાબાસાહેબનું ભારતીય અર્થતંત્ર પરનું વિશ્લેષણ આજના સમયે પણ એટલુંજ પ્રસ્તુત છે.

વિચક્ષણ બુધ્ધિક્ષમતા સાથે બહુપરિમાણીય ક્રિયાશીલ વ્યક્તિત્વ ધરાવતા હોય તેવા લોકો દેશ અને દુનિયાનાં ઇતિહાસમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ છે.જેમાં ડો.બાબાસાહેબ આંબેડકરનો સમાવેશ થાય છે.તેઓ વિરલ પ્રતિભાના ધણી હતા.ડો.બાબાસાહેબને સામાન્ય રીતે આપણે ફક્ત ‘બંધારણના ઘડવૈયા’, ‘મહાન અધિવક્તા’, ‘સ્વાતંત્ર્ય સેનાની’,કે ‘અનુસુચિત જાતિના મહાન નેતા’ તરીકે જ ઓળખીએ છીએ.પરંતુ તેમના જીવન-કવન અને લેખનનો અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે કે તેઓ એક ‘મહાન અર્થશાસ્ત્રી’ પણ હતા.તેઓએ લંડન સ્કુલ ઓફ ઇકોનોમિકસ માંથી ડોકટરેટની પદવી પ્રાપ્ત કરી હતી.તેઓએ બી.એ.(બોમ્બે યુની.),એમ.એ.(કોલંબિયા યુની.),એમ.એસ.સી.(લંડન સ્કુલ ઓફ ઇકોનોમિકસ),પી.એચ.ડી.(કોલંબિયા યુની.),ડી.એસસી.(લંડન સ્કુલ ઓફ ઇકોનોમિકસ),એલ.એલ.ડી.(કોલંબિયા યુની.),ડીલીટ(ઓસ્માનિયા યુની.) અને બેરિસ્ટર એટ લો ની ડીગ્રી ગ્રેયઝ ઇન,લંડન થી પ્રાપ્ત કરી હતી.તેઓએ તે સમયના વિશ્વના  વિખ્યાત અર્થશાસ્ત્રીઓ પાસેથી અર્થતંત્રનું જ્ઞાન મેળવ્યું હતું.૧૯૩૦ના સમયગાળા દરમિયાન તેઓ મુંબઈની સીડનહામ કોલેજમાં ઇકોનોમિકસના પ્રોફેસર પણ રહી ચુક્યા છે.ડો.બાબાસાહેબનું ભારતીય અર્થતંત્ર પરનું વિશ્લેષણ આજના સમયે પણ એટલુંજ પ્રસ્તુત છે.

ભારતીય ચલણી નાણાનાં અવમુલ્યનની સમસ્યા,
બ્રિટીશ શાશન હેઠળની ભારતીય સરકાર તે સમયે ચલણના અવમુલ્યનની સમસ્યાનો સામનો કરી રહી હતી ત્યારે ૧૯૨૩માં ડો.બાબાસાહેબે ‘ ધ પ્રોબ્લેમ ઓફ રૂપી – ઈટઝ ઓરીજીન એન્ડ સોલ્યુશન’ નામના તેમના મહાનિબંધમાં તેઓએ લખ્યું હતું કે ભારતના ગોલ્ડ એક્સચેન્જના ધોરણોમાં સ્થિરતાનો અભાવ છે.આ ધોરણો ભારત જેવા વિકસતા અર્થતંત્ર માટે ઉપયુક્ત નથી.તેનાંથી ફુગાવો અને ભાવવધારાને પ્રોત્સાહન મળશે.તેઓએ આંકડાકીય માહિતી અને સચોટ કારણો સાથે સાબીત કરી બતાવ્યું હતું કે શા માટે ભારતીય રૂપિયાનું અવમુલ્યન થયું જેનાં પરિણામે ખરીદશક્તિમાં ઘટાડો થયો.તેઓએ રાજકોષીય ખાધ પર અંકુશ અને ભાવ સ્થિરતા પર વધુ ધ્યાન આપવા જણાવ્યું હતું.તેઓનો આ મહાનિબંધ આગળ જતા રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાના નિર્માણ માટે પણ પથદર્શક બન્યો હતો.

ટેક્સેશન પોલીસી,
ડો.આંબેડકરે ૧૯૩૬માં ‘સ્વતંત્ર મજદૂર પાર્ટી’ના મેનીફેસ્ટોમાં ટેક્સેશન વિશેના તેમના વિચારો રજુ કર્યા હતા.તેમના મતે ત્યારની જમીન મહેસુલની પદ્ધતિ અને કરપ્રણાલી ગરીબ,ખેડૂતો અને મજદૂર વર્ગ માટે બોજારૂપ હતી.તેઓની દલીલ હતીકે તે સમયની કર પદ્ધતિ ભેદભાવયુક્ત અને અસમાન હતી.તેઓનાં સૂચનો નીચે મુજબના હતા.

  • ગરીબો પર ઓછો અને શ્રીમંતો પર વધુ ટેક્સ હોવો જોઈએ. 
  •  નિશ્ચિત રકમની આવક પર ટેક્સ માફી હોવી જોઈએ.
  • સમાજના તમામ વર્ગો માટે સમાંતર કરમાળખું હોવું જોઈએ.
  • લોકોનું જીવનધોરણનું સ્તર વધુ નીચે ના આવે તે પ્રકારનું કરમાળખું હોવું જોઈએ.
  • જમીન મહેસુલ કર પદ્ધતિ સરળ હોવી જોઈએ તેમજ ખેતીની જમીન પર તેને લાગુ કરવી જોઈએ નહિ.

આશ્ચર્યની વાતતો એ છે કે ડો.આંબેડકરે ૧૯૨૩માં ફ્રી ઈકોનોમી,ગ્લોબલાઈઝેશન,લીબરલાઈઝેશન અને પ્રાઈવેટાઈઝેશનની તરફેણ કરી હતી.તેઓએ લખ્યું છે કે ઔદ્યોગીકરણ એ દેશના ઝડપી આર્થીક વિકાસનો પાયો છે.તેના લીધે મોટા પ્રમાણમાં રોજગારી ઉપલબ્ધ બને છે અને તેનાં દ્વારા મોટા પ્રમાણમાં જીવન જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે.પરિણામે આયાત ઘટે છે,દેશનું ઘરેલું ઉત્પાદન વધે છે અને દેશનો આર્થિક વિકાસ ઝડપી બને છે.દેશનાં આર્થિકવિકાસ માટે સ્ત્રીઓની સહભાગિતા અનિવાર્ય છે.સ્ત્રીઓને સમાન દરજ્જો,ઉચ્ચ શિક્ષણ તથા ધંધા રોજગાર કરવા માટેની સ્વતંત્રતાના તેઓ હિમાયતી હતા.આ ઉપરાંત તેઓએ દેશના આર્થીકવિકાસ માટે વસ્તી નિયંત્રણ,દરેક વર્ગો સાથે સમાન વહેવાર,સમાન તકો,જ્ઞાતિપ્રથા નાબુદી તથા ખેતી અને ખેડૂતોના આર્થિકવિકાસને મહત્વ આપ્યું હતું.તેઓ કહેતા કે બંધન વગરનો મૂડીવાદ એ આગળ જતા શોષણયુક્ત સમાજને જન્મ આપશે.આર્થિક અને સામાજિક અસમાનતા એ આગળ જતા સરદર્દ બનશે.તેઓ શોષણમુક્ત આર્થિક વ્યવસ્થાના હિમાયતી હતા.ડો.આંબેડકરે આર્થિકવિષયો પર અનેક મહાનીબંધો,પુસ્તકો તથા લેખો લખ્યા છે.ભારતના તથા વિશ્વના ખ્યાતનામ અર્થશાસ્ત્રીઓ આજે પણ તેમના આર્થિકચિંતનનો આધારે નીતિઓ બનાવે છે.આમ,ડો.બાબાસાહેબ આંબેડકર કોઈ એક સમાજ,વર્ગ,ધર્મ કે દેશનાં નહિ પરંતુ સમગ્ર વિશ્વને દિશા આપનાર મહામાનવ હતા.આવા વિરાટ વ્યક્તિત્વની જન્મજયંતિએ તેઓને સાદર પ્રણામ.

3 ટિપ્પણીઓ:

Unknown કહ્યું...

Good article. Congratulations.

Jaysukh Barot કહ્યું...

ખૂબ સરસ સાહેબ...બાબા સાહેબ માટે આપનુ વિઝન....

Jaysukh Barot કહ્યું...

ખૂબ સરસ સાહેબ...બાબા સાહેબ માટે આપનુ વિઝન....